મારી વહાલી દીકરીઓને એક પત્ર…

dikri

વહાલી દીકરીઓ, આજે સમગ્ર વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ જોઈને મારી અંદર અનેક વિચારો જાગ્યા. માત્ર શુભેચ્છા પાઠવીને વાત પૂરી કરી દેવી મને પૂરતી લાગતી નથી. મહિલા દિવસ એ માત્ર ઉજવણીનો દિવસ નથી. તે આત્મચિંતન, આત્મસન્માન અને આત્મવિશ્વાસનો દિવસ છે. તેથી આજે હું તમારા માટે માત્ર સંદેશ નથી લખી રહી. હું મારા હૃદયનો એક અંશ લખી રહી છું.

આ શબ્દો કોઈ પુસ્તકના પાનાં પરથી ઉતારેલા નથી. આ શબ્દો મારા જીવનના અનુભવોમાંથી ઊગેલા છે. મેં જીવનમાં ઘણું જોયું, સહન કર્યું અને શીખ્યું છે. તે બધી જ સમજણ આજે હું તમારા માટે શબ્દરૂપે મૂકી રહી છું.

તારો જન્મ – એક આશીર્વાદ સૌ પ્રથમ તો આ વાત હૃદયમાં બેસાડી દે કે તું સામાન્ય નથી. તું અસાધારણ છે. દીકરીનો જન્મ એ આશીર્વાદ છે, જવાબદારી નહીં. ઘણીવાર સમાજ તને સમજાવશે કે તારી મર્યાદા છે. પરંતુ યાદ રાખજે કે સીમાઓ નકશામાં હોય છે, પ્રતિભામાં નહીં. તારો અવાજ નબળો નથી, એ પરિવર્તનની શરૂઆત છે. તારું સ્મિત માત્ર ચહેરાની સુંદરતા નથી. એ તારી અંદરની શક્તિનું પ્રતિબિંબ છે.

સૌ પ્રથમ તો આ વાત ગાંઠે બાંધી લે. તારો જન્મ કોઈ સામાન્ય ઘટના નથી. તું આ સૃષ્ટિનું અનમોલ સર્જન છે. તું કુદરતની અદભૂત કૃતિ છે. ક્યારેક સમાજ કે આસપાસની પરિસ્થિતિ તને અલગ અનુભવ કરાવશે. તું ‘દીકરી’ છે એટલે તારી મર્યાદાઓ છે તેવું કહેવાશે. પણ યાદ રાખજે કે સીમાઓ નકશામાં હોય છે, પ્રતિભામાં નહીં. તારા સપનાઓને કોઈ લિંગ નથી. તારી ક્ષમતાને કોઈ જાતિ કે પરિસ્થિતિમાં બાંધી શકાય નહીં. તારો અવાજ નબળો નથી. તે અવાજમાં સત્ય બોલવાની અને અન્યાય સામે ઊભા રહેવાની શક્તિ છે. એ અવાજમાં દુનિયાને બદલવાની તાકાત છે. તારું સ્મિત તારા આત્મવિશ્વાસનું પ્રતિબિંબ છે. તારી આંખોમાં રહેલા સપનાઓ જ તને આગળ ધપાવતી શક્તિ છે.

ભણતર – તારી સાચી શક્તિ દીકરીઓ, એક વાત હંમેશા યાદ રાખજો. રૂપ અને યૌવન સમય સાથે બદલાઈ જશે. પરંતુ ભણતર, જ્ઞાન અને આવડત હંમેશા તારી સાથે રહેશે. ક્યારેય ભણવાનું ન છોડતી. ભલે પરિસ્થિતિ કઠિન હોય કે મુશ્કેલીઓ પહાડ સમી લાગે. તું તારા જ્ઞાનના દીવાને હંમેશા પ્રજ્વલિત રાખજે. એક સ્ત્રી જ્યારે ભણે છે, ત્યારે માત્ર તે એકલી આગળ વધતી નથી. તેની સાથે એક આખો પરિવાર, પેઢી અને સમાજ આગળ વધે છે. સ્ત્રી આર્થિક રીતે સ્વાવલંબી બને તે ખૂબ જરૂરી છે. તેનાથી તે પોતાનું, પરિવારનું અને સમાજનું ભાગ્ય બદલી શકે છે. શિક્ષણ તને વિચારવાની શક્તિ આપે છે. તે નિર્ણય લેવાની હિંમત આપે છે. શિક્ષણ તને સ્વાભિમાન સાથે જીવવાની દિશા આપે છે.

નિષ્ફળતા – અંત નહીં, શરૂઆત મેં ઘણી દીકરીઓને ડરતા જોયું છે. તેઓ વિચારે છે કે નિષ્ફળ જઈશ તો લોકો શું કહેશે? મારા વહાલીડાઓ, લોકોનું કામ કહેવાનું છે. પણ તારો રસ્તો તારે જ નક્કી કરવો પડશે. તું પડીશ, તો જ તને ખબર પડશે કે ફરી કેવી રીતે ઊભા થવું. ભૂલ કરવી એ ગુનો નથી. પણ ભૂલમાંથી ન શીખવું એ ખામી છે. જે પક્ષી પાંખો ફેલાવવાનું જોખમ લે છે, તે જ આકાશની ઊંચાઈ માપી શકે છે. તારા સપનાઓ એટલા મોટા રાખજે કે નસીબને પણ નમવું પડે. મહેનત કરજે, ધીરજ રાખજે અને હિંમત ક્યારેય ન છોડજે.

સ્વાભિમાન – તારી ઓળખ સ્ત્રી એટલે પ્રેમ, કરુણા અને લાગણી. પણ યાદ રાખજે કે કરુણા તારી નબળાઈ ન બનવી જોઈએ. હંમેશા સ્વયંનો આદર કરજે. બીજાનો આદર જરૂર કરજે, પરંતુ ક્યારેય તારા સ્વાભિમાનના ભોગે નહીં. મક્કમતાથી ‘ના’ કહેતા શીખ. જે વાત તને ખોટી લાગે તેને ના કહે. જે સ્પર્શ તને અણગમતો લાગે તેને ના કહે. જે સંબંધ તારા વિકાસને રોકે તેને પણ ના કહેતા શીખજે. તારો સ્વાભિમાન તારી સૌથી મોટી સંપત્તિ છે.

તું બોજ નથી – તું ઓજ છે આજે પણ ક્યાંક દીકરીઓને બોજ માનવામાં આવે છે. પરંતુ હું તને કહેવા માંગું છું કે તું બોજ નથી. તું તો આખા ઘરનો ‘ઓજ’ (તેજ) છે. તારા સંસ્કાર તારી સાચી ઓળખ છે. તું જ્યાં પણ જાય, ત્યાં તારા વ્યક્તિત્વની ઉત્તમ છાપ છોડજે. લોકો તારા માતા-પિતાના નામથી ગર્વ અનુભવે તેવું કામ કરજે. પરંતુ યાદ રાખજે કે તું માત્ર કોઈની દીકરી, પત્ની કે માતા નથી. તું પોતાની આગવી ઓળખ બનાવવા માટે જન્મી છે.

તારી અંદરની શક્તિ આ દુનિયા ક્યારેક તને રોકવાનો પ્રયત્ન કરશે. લોકો તારી પાંખો કાપવાની કોશિશ કરશે. તારા આત્મવિશ્વાસને હલાવવાનો પ્રયાસ પણ થશે. પણ તું ક્યારેય હિંમત હારતી નહીં. તારી અંદર એક અદભૂત શક્તિ છે. તારી અંદર એક અડગતા અને સાહસ છે. તારી અંદર એક ‘દુર્ગા’ અને ‘લક્ષ્મીબાઈ’ છુપાયેલી છે. તારી અંદર એક ‘કલ્પના ચાવલા’ છે. તારે ફક્ત તારી જાતને ઓળખવાની જરૂર છે.

તારા સપનાઓ – તારી જવાબદારી આ મહિલા દિવસે તું તારી જાતને એક વચન આપ. “હું લડીશ, હું ભણીશ, હું ઊભી રહીશ અને હું જીતીશ. હું મારી ઓળખ જાતે બનાવીશ.” તારા સપનાઓને ક્યારેય ન છોડતી. નાનકડું સપનું પણ એક દિવસ વિશાળ વટવૃક્ષ બની શકે છે. જીવનમાં સુખ અને દુઃખ બંને આવશે. પરંતુ હંમેશા યાદ રાખજે કે અંધકાર પછી જ સૂર્યોદય થાય છે.

મારા પત્રરૂપે આપને કહેવાના અંતિમ શબ્દો સપનાઓ આકાશ જેટલા મોટા રાખો. તમારો આત્મવિશ્વાસ પર્વત જેટલો મજબૂત રાખો. દીકરી જ્યારે ઊંચે ઉડે છે, ત્યારે આખું આકાશ ગર્વ અનુભવે છે.

મારી વહાલી દીકરીઓ, ખૂબ ભણજો અને ખૂબ પ્રગતિ કરજો. એક સારા માણસ બનો અને મોટા સપનાઓ જુઓ. હિંમતથી આગળ વધો. હંમેશા ખુશ રહેજો, સ્વસ્થ રહેજો અને આત્મવિશ્વાસથી જીવજો. તમારા સપનાઓ આભને આંબે. તમારું વ્યક્તિત્વ દુનિયામાં પ્રકાશ ફેલાવે. તમારું જીવન સફળતા અને સંતોષથી ભરાઈ જાય એવી મારી અંતરની શુભેચ્છાઓ. અઢળક આશીર્વાદ અને પ્રેમ સાથે…

લિ., તમારી દોસ્ત અને ગુરુ,

નયના જે. સોલંકી

Tags :
Facebook
Twitter
LinkedIn
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest Post

shivratri
Mahashivratri

મહાશિવરાત્રી આજના યુગમાં માનવી ઝડપથી દોડી રહ્યો છે – સફળતા માટે, પૈસા માટે, પ્રતિષ્ઠા માટે. પરંતુ આ દોડમાં

14 f
વેલેન્ટાઈન ડે

: પ્રેમ, બલિદાન અને માનવતાની અવિનાશી ઐતિહાસિક ગાથાઓ સેન્ટ વેલેન્ટાઈન – પ્રેમ માટે જીવ આપનાર યોદ્ધા જેલની કરુણ