વસંત પંચમી એ માત્ર પંચાંગનો એક દિવસ નથી, પણ પ્રકૃતિના હૃદયના ધબકાર અને મનુષ્યના આત્માનો ઉત્સવ છે. શિયાળાની કકડતી ઠંડી પછી જ્યારે પ્રકૃતિ મધુર અંગડાઈ લે છે, ત્યારે વસંતનું આગમન થાય છે.
જ્યારે આકાશમાં સૂર્યનો કોમળ તડકો ધરતીને વહાલ કરવા લાગે અને શીતળ પવનમાં ફૂલોની સુગંધ ભળે, ત્યારે સમજી લેવું કે ઋતુરાજ વસંત પધારી ચૂક્યા છે. વસંત પંચમી એટલે નવી આશા, નવા ઉમંગ અને નવી ચેતનાનો પર્વ.
વસંત પંચમીના દિવસે ધરતી જાણે પીળી ચાદર ઓઢીને સજી-ધજી હોય તેમ લાગે છે. ખેતરોમાં લહેરાતા રાયડાના પીળા ફૂલો જોઈને એવું લાગે છે કે કુદરતે પોતે સોનાના અલંકારો ધારણ કર્યા છે. કેસૂડાના લાલ-ચટક ફૂલો જંગલોમાં મશાલની જેમ પ્રગટી ઉઠે છે. આ દ્રશ્ય જોઈને માનવીનું મન અનાયાસે જ કહી ઉઠે છે કે, "જીવનમાં ગમે તેટલો પાનખર આવે, પણ વસંત આવવી નિશ્ચિત છે."
આ દિવસ માત્ર ફૂલોનો જ નથી, પણ વિદ્યાની દેવી મા સરસ્વતીનો જન્મોત્સવ પણ છે. જ્યારે ચારેબાજુ સંગીત, સાહિત્ય અને કળાનો ગુંજારવ સંભળાય, ત્યારે હૃદયમાં મા શારદા પ્રત્યેની શ્રદ્ધા જાગી ઉઠે છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ, હાથમાં વીણા ધારણ કરેલી માતા સરસ્વતી આપણા અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. બાળકોના હાથમાં પાટી-પેન આપીને અક્ષરજ્ઞાનની શરૂઆત કરાવવા માટે આનાથી રૂડો અવસર કયો હોઈ શકે?
વસંત પંચમી એ પ્રેમની પણ ઋતુ છે. આ દિવસે વાતાવરણમાં એક અજીબ માદકતા હોય છે. પક્ષીઓનો કલરવ અને કોયલનો ટહુકો આપણા વિખરાયેલા વિચારોને એક તાંતણે બાંધે છે. તે આપણને શીખવે છે કે જે રીતે વૃક્ષો જૂના પાંદડા ખેરવીને કૂંપળો ફૂટવાની રાહ જુએ છે, તેમ આપણે પણ ભૂતકાળના દુઃખોને ખેરવીને ભવિષ્યની નવી આશાઓ તરફ ડગ માંડવા જોઈએ.
વસંત પંચમી એ આપણને પ્રકૃતિ સાથે જોડે છે. તે સંદેશ આપે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ હોય, પણ જો આપણું મન 'વસંત' જેવું ખીલેલું હશે, તો સુખની સુગંધ આપોઆપ આપણા જીવનમાં ફેલાશે. ચાલો, આ વસંત પંચમીએ આપણે પણ આપણા હૃદયમાં પ્રેમ, જ્ઞાન અને ભક્તિના પુષ્પો ખીલવીએ.નયના જે. સોલંકી
આંખો






