રાષ્ટ્રધ્વજ માત્ર કાપડનો ટુકડો નથી, પરંતુ તે આપણા સ્વાભિમાન, બલિદાન અને સંવિધાનિક મૂલ્યોનું જીવંત પ્રતિક છે. જ્યારે પણ તિરંગો લહેરાય છે, ત્યારે દરેક ભારતીયનું માથું ગૌરવથી ઊંચું થાય છે. રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા બે મહત્વના શબ્દો છે — રાષ્ટ્રધ્વજ રોહણ અને રાષ્ટ્રધ્વજ વંદન. બંનેમાં રાષ્ટ્રપ્રેમ છલકાય છે, પરંતુ તેમની ભાવના અને સંદેશ અલગ છે.

 રાષ્ટ્રધ્વજ રોહણ આપણને યાદ અપાવે છે કે સ્વાતંત્ર્ય સહજ રીતે મળ્યું નથી. તે અનંત બલિદાનો, સંઘર્ષ અને અડગ સંકલ્પનું પરિણામ છે. જ્યારે 15 ઑગસ્ટે ધ્વજ ધીમે ધીમે ઉપર ચડાવવામાં આવે છે, ત્યારે તે આપણને પ્રેરણા આપે છે કે જેમ ધ્વજ ઊંચે ચડે છે, તેમ આપણા વિચારો, કર્મ અને ચારિત્ર્ય પણ ઊંચા હોવા જોઈએ. રોહણ એ નવી શરૂઆત, નવી આશા અને નવી જવાબદારીનું પ્રતિક છે.

 બીજી તરફ, રાષ્ટ્રધ્વજ વંદન આપણને શિસ્ત, સમર્પણ અને સંવિધાન પ્રત્યેની વફાદારી શીખવે છે. 26 જાન્યુઆરીએ ધ્વજને વંદન કરતાં આપણે યાદ કરીએ છીએ કે આ દેશ માત્ર ભાવનાઓથી નહીં, પરંતુ નિયમો, ન્યાય અને સમાનતાથી ચાલે છે. વંદન એ સંદેશ આપે છે કે સ્વાતંત્ર્યને ટકાવી રાખવા માટે શિસ્ત અને જવાબદારી એટલી જ જરૂરી છે જેટલી સ્વાતંત્ર્ય માટેની લડત હતી.

આ રીતે, રાષ્ટ્રધ્વજ રોહણ આપણને ઉડાન ભરવાની પ્રેરણા આપે છે, જ્યારે રાષ્ટ્રધ્વજ વંદન આપણને મર્યાદામાં રહીને આગળ વધવાની સમજ આપે છે. એક આપણને સપના જોવાનું શીખવે છે, બીજું તે સપનાઓને સાચવવાનું.

જો આપણે આ બંને ભાવનાઓને આપણા જીવનમાં ઉતારી લઈએ — ઉત્સાહ સાથે સંઘર્ષ કરીએ અને શિસ્ત સાથે સફળતા સંભાળીએ — તો જ સાચા અર્થમાં આપણે રાષ્ટ્રપ્રેમી બની શકીએ.

ચાલો, દરેક ભારતીય તરીકે સંકલ્પ કરીએ કે
તિરંગો માત્ર થાંભલા પર નહીં, પરંતુ આપણા વિચાર, વર્તન અને કર્મમાં પણ લહેરતો રહે.